લોકડાઉન / કોણે ચોઘડિયું જોયું હશે ? ભુજોડી પાસેના રિસોર્ટમાં લગ્નનો વિડીયો તંત્ર પાસે પહોંચ્યો ને, પોલીસ ત્રાટકી


લોકડાઉનમાં લગ્ન પ્રસંગ યોજવા માટે વહીવટી તંત્ર પાસેથી મંજુરી મેળવાઇ હતી, 50 સગા-સબંધીની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતની શરતો તળે પ્રસંગ યોજવા મંજુરી મામલતદાર તરફથી આપવામાં આવી હતી. જો કે ભુજોડી પાસે આવેલા ડ્રીમ રિસોર્ટમાં બપોરે સગાઇનો પ્રસગ યોજાયો હતો જેમાં ‘ખલ ગઇ, તુજે ખલ ગઇ.... બેપરવાહી ખલ ગઇ’ સોંગનો વિડીયો વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસ અને મામલતદારની ટીમ ત્યાં ત્રાટકી હતી, સગાઇનો પ્રસંગ પુર્ણ થયો હતો અને લગ્ન યોજાવાના હતા તેવે ટાંણે જ પોલીસ પહોંચી હતી.

ભુજોડી પાસે આવેલા ડ્રીમ રિસોર્ટમાં પ્રસંગ યોજવા માટે વહીવટી તંત્ર પાસે મંજુરી મેળવાઇ હતી, મામલતદાર દ્વારા 50 સગા-સબંધીની હાજરીમાં પ્રસંગ યોજવા મંજુરી અપાઇ હતી જેમાં લોકડાઉનની શરતોનું પાલન કરવા પણ ફરજીયાત હતું. કીશોર પ્રભુલાલ ભાભેરાની દીકરીની સગાઇ અને લગ્નનો ફંકશન ડ્રીમ રીસોર્ટમાં યોજાઇ રહ્યો હતો, બપોરે સગાઇ હતી ત્યારનો વિડીયો ત્યાં હાજર પૈકીના કોઇ સગા-સબંધીએ કોઇકને મોકલતા વિડીયો વાયરલ થઇ થઇને વહીવટી તંત્રને પહોંચ્યો હતો.

વીડિયોમાં લોકડાઉનની શરતોનું કાંઇ પાલન થતું ન હોવાનું સરેઆમ દેખાયું હતું. વહીવટી તંત્ર હરકતમાં આવી પોલીસ અને મામલતદારની ટીમ ત્યાં પહોંચી હતી. બપોરે સગાઇ થઇ ગઇ હતી અને લગ્ન થાય તે પૂર્વે જ વહીવટી તંત્ર પહોંચીને જોતા 50 લોકોની મંજુરી સાથે 70થી 80 લોકો ત્યાં હાજર દેખાયા હતા. ઉપરાંત ન કોઇએ માસ્ક પહેર્યું હતું તો સોશિયલ ડિસ્ટન્સનો છેદ તો વિડીયોમાં જ ઉડતો દેખાયો હતો. લોકડાઉનમાં વ્યવસાય પર સજ્જડ પ્રતિબંધ છે, વહીવટી તંત્ર દ્વારા સવારથી સાંજ સુધી દુકાનો-શોપ ખોલવાની છુટ અપાઇ છે તો પ્રસંગ યોજવા પણ તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવે છે ત્યારે ભુજોડીમાં યોજાયેલા પ્રસંગ લોકડાઉનના લીધે બગડયો હોવાનો આ પ્રથમ બનાવ સામે આવ્યો હતો.

Post a Comment

0 Comments