અડધા રસ્તે પૈસા ખૂટી ગયા તો 15 હજારનો બળદ 5 હજારમાં વેચ્યો, 15 વર્ષના દીકરાને ગાડા સાથે જોતરી દીધો


દેશભરમાં લૉકડાઉનના કારણે કામ-ધંધો ગુમાવી ચૂકેલા શ્રમિકો તથા અન્ય લોકો વતનમાં પાછા ફરી રહ્યા છે. 50 દિવસના લૉકડાઉને ગરીબ શ્રમિકોનું જીવવું દુષ્કર કરી નાખ્યું છે. સરકારી દાવા ગમે તે હોય, ગ્રાઉન્ડ રિયાલિટી હૃદયદ્રાવક છે. શ્રમિકોની ઘણા પ્રકારની તસવીરો ચર્ચામાં છે પણ આ તસવીર જોઇને કાળજું કંપી જાય છે. આ દ્રશ્ય મધ્ય પ્રદેશના આર્થિક પાટનગર ઇન્દોરના બાયપાસ રોડ પર જોવા મળ્યું.

જુલવાનિયા નજીકથી દેવાસ માટે પગપાળા નીકળ્યા 
એક પરિવાર એટલો લાચાર થઇ ગયો કે ગામડે પાછા ફરતી વખતે રસ્તામાં જ એક બળદ અડધાથી પણ ઓછા ભાવે વેચવો પડ્યો. બળદગાડું ખેંચવા બીજા બળદ સાથે 15 વર્ષનો મનોજ જાતે જ જોતરાઇ ગયો. આ પરિવાર મધ્ય પ્રદેશના જુલવાનિયાથી અંદાજે 200 કિ.મી. દૂર દેવાસ જવા નીકળ્યો છે.મનોજે જણાવ્યું કે, ‘અમારા પાંચ જણાના પરિવારમાં બે બહેન, બનેવી અને પિતા છે. એક બહેન સગર્ભા છે. અમે જુલવાનિયા નજીકથી દેવાસ માટે પગપાળા નીકળ્યા હતા. મુસાફરી દરમિયાન ખાવા-પીવાનો સામાન અને પૈસા ખલાસ થઇ ગયા. મુશ્કેલીઓ વધી રહી હતી. મુસાફરી અડધી જ પૂરી થઇ હતી. તેથી બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે એક બળદ વેચી દઇએ તો થોડા દિવસ નીકળી જશે. પછી જે થશે તે જોયું જવાશે.’

હજુ અંદાજે 100 કિ.મી. ચાલવાનું છે
હજુ અડધી મુસાફરી બાકી છે. અંદાજે 100 કિ.મી. ચાલવાનું છે. એવામાં 40 ડિગ્રી ગરમીમાં મનોજના ખભે લદાયેલો બળદગાડાનો બોજ શ્રમિકોની વાસ્તવિક સ્થિતિ વર્ણવે છે. કોરોનાના કારણે આવા હજારો લોકો વતનમાં પાછા ફરી રહ્યા છે.એકલા બળદ પર વધુ બોજ પડતો હોવાથી હું પણ જોતરાઇ ગયો
મનોજ જણાવે છે કે, ‘હવે બળદને ખવડાવીએ કે પોતે ખાઇએ? મજબૂરીવશ એક બળદ વેચવો પડ્યો. તેની કિંમત 15 હજાર રૂ. હતી પણ અમારી ગરજનો લાભ લઇ ખરીદનારે માત્ર 5 હજાર રૂ.માં ખરીદી લીધો. એક બળદ પર વધુ બોજ ન પડે તે માટે હું પણ તેની સાથે જોતરાઇ ગયો.’

Post a Comment

0 Comments